ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત સાથે ભાજપે તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. ભાજપને 156 બેઠક મળી છે તેમજ કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 તેમજ અન્યના ખાતામાં 4 બેઠક ગઈ છે. ત્યારે આગામી 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ વિજય બાદ હવે ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે એ અંગે ચર્ચાઓ શરૂ થવા લાગી છે.
નવી સરકારનું મંત્રમંડળ 22થી 23 સભ્યનું હોવાની સંભાવના છે. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં નવા અને જૂના ચહેરાઓને સ્થાન મળી શકે છે. નવી સરકારમાં 10 કે 11 કેબિનેટ મંત્રી અને 12થી 13 રાજ્ય કક્ષાના મંત્રી બની શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતના તમામ ઝોન, જેવા કે ઉત્તર, મધ્ય, દક્ષિણ, સૌરાષ્ટ્ર અને કચ્છ એમ તમામ વિસ્તારમાંથી ભાજપ જ્ઞાતિ આધારિત સમીકરણો ધ્યાનમાં રાખીને મંત્રીઓની પંસદગી કરી શકે છે.