વાઘોડિયામાં BJPનાં બળવાખોર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં

2022-11-18 956

વાઘોડિયાના અપક્ષના ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે ભાજપના નામે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી કરી પરંતુ મેન્ડેટ ન મળ્યું હોવા છતાં ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું. મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવાર તરીકે પણ ફોર્મ ભર્યું. ત્યારે આજે ફોર્મ ચકાસણીમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

તો ગઇકાલે મધુ શ્રીવાસ્તવે વિવાદાસ્પદ નિવેદન આપતા ચૂંટણી પંચ એકશન લઇ શકે છે. મારા કાર્યકરનો કોઈ કોલર પકડશે તો ઘરમાં જઈ ગોળી મારી દઈશ તેવું નિવેદન આપ્યું હતું. જેને લઇને વિરોધનો સૂર ઉઠ્યો હતો. બીજી બાજુ મધુ શ્રીવાસ્તવના ધમકીભર્યા નિવેદનને લઇને ચૂંટણી પંચ એક્શનમાં આવ્યું છે. આ મામલે ચૂંટણી પંચે વાઘોડિયા ચૂંટણી અધિકારી પાસે અહેવાલ મંગાવ્યો હતો. આદર્શ આચાર સંહિતાનો ભંગ થયો છે કે કેમ તેનો અહેવાલ આપવા આદેશ કરવામાં આવ્યો છે. આથી અહેવાલ બાદ મધુ શ્રીવાસ્તવ સામે આચાર સંહિતા ભંગ અંગેની કાર્યવાહી થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ભાજપે ટિકિટ કાપતા નારાજ મધુ શ્રીવાસ્તવએ અપક્ષથી ઉમેદવારી નોંધાવી છે.