ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજકીય પક્ષના નેતાઓના પક્ષપલટા શરૂ થઈ ગયા છે. આજે સવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા હિમાંશુ વ્યાસે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાશે કે આપમાં તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, હિમાંશુ વ્યાસ બપોરે જ કમલમ ખાતે પહોંચી ગયા હતા અને કેસરીયો ધારણ કર્યો હતો. તેમણે આજે જ સવારે કોંગ્રેસમાં તમામ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. હિમાંશુ વ્યાસ સામ પિત્રોડાના નજીકના મનાય છે. જ્યારે અગાઉ તેઓ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી મેદાને ઝંપલાવી ચૂક્યા છે. બન્ને વખત તેમને ભાજપ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.