રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને નવ મહિના કરતાં વધારે સમય થઇ ગયો છે પરંતું રશિયા પીછેહઠ કરવા તૈયાર નથી, ત્યારે આજે પણ ખારકીવ અને લુહાન્સકામાં યૂક્રેનના સૈનિકો હથિયારોથી સજ્જ જોવા મળ્યા હતા. દરમિયાન ક્રિમિયા બ્રિજ પર થયેલા હુમલા બાદ રશિયાએ નવેસરથી હુમલા શરૂ કર્યા છે. યૂક્રેન વિરુદ્ધ નવા પ્લાનિંગ હેઠળ હવે રશિયા અમેરિકામાં તાલીમ લઇ ચૂકેલા અફઘાનિસ્તાનની સ્પેશિયલ ફોર્સના જવાનોને પોતાની સેનામાં સામેલ કરી રહ્યું છે. તેના માટે આ જવાનોને જાત-જાતની લાલચ આપવામાં આવી રહી છે. રશિયા આ સૈનિકોને યૂક્રેન વિરુદ્ધ યુદ્ધમાં મેદાનમાં ઉતારશે. નિષ્ણાતોના અનુસાર છેલ્લા કેટલાક મહિનામાં યુદ્ધમાં માત્ર યૂક્રેન જ નહીં પરંતું રશિયાના પણ ઘણાં સૈનિકોની ખુંવારી થઇ છે. રશિયામાં નવયુવાનોને બળજબરીપૂર્વક સેનામાં ભરતી કરાઇ રહ્યા છે. અને હાલ એ છે કે રશિયાના યુવાનો ચોરી-છુપે દેશ છોડી રહ્યા છે. અફઘાનિસ્તાનના ત્રણ પૂર્વ જનરલોએ એસોસિયેટેડ પ્રેસને જણાવ્યું હતું કે રશિયા સરકાર અફઘાન કમાન્ડોને પોતાની સેનામાં સામેલ કરવા અનેક પ્રકારની લાલચ આપી રહી છે. જેમાં સારો પગાર અને તેમના પરિવારની સુરક્ષા સામેલ છે જે તાલિબાન શાસિત અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે.