ગુજરાતમાં આજથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કૃષિમંત્રી રાજકોટથી કરાવશે

2022-10-29 407

રાજ્યભરમાં 29 ઓક્ટોબર- લાભપાંચમથી એટલે કે આજથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદીનો પ્રારંભ કરવાનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરાયો છે તેમ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

લાભપાંચમે એટલે કે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મુહૂર્ત સ્વરૂપે રાજકોટ ખાતે સમગ્ર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવશે.

કૃષિ મંત્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.5850, મગનો રૂ.7755, અડદનો રૂ.6600 અને સોયાબીનનો રૂ.4300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ખરીફ 2022-23માં ગુજરાતમાં મગફળીના 9,79,000 મે.ટન, મગના 9,588 મે.ટન, અડદના 23,872 મે.ટન અને સોયાબીનના 81,820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે.