નૂતન વર્ષાભિનંદન : હર્ષોલ્લાસ સાથે નવા વર્ષના વધામણા

2022-10-25 861

પ્રકાશ અને રોશનીનાં પર્વ દીપાવલીની દેશભરમાં ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. બુધવારની સુવર્ણ પ્રભાતનાં સૂર્ય કિરણોએ ભારત સહિત પૃથ્વી પર તેનાં સોનેરી કિરણો રેલાવ્યા છે. નવી આશા, અરમાનો અને ઉમંગ સાથે સંવત ૨૦૭૯નો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાને કોરાણે મૂકીને લોકોએ દિવાળીની ધામધૂમથી ઉમંગ અને ઉત્સાહ સાથે ઉજવણી કરી છે. રંગબેરંગી રોશની અને આતશબાજી સાથે રંગોનો ગુબ્બાર રેલાવ્યો છે. કેન્દ્રમાં પીએમ મોદીનાં નેતૃત્વમાં ભાજપની સરકાર દ્વારા દેશનાં સર્વાંગી વિકાસ માટે શ્રોણીબદ્ધ પગલાં લેવાયા છે. ભાજપ સરકાર દ્વારા દેશનાં આર્થિક વિકાસ તેમજ પ્રજાની સુખાકારી માટે વર્ષ 2030 સુધીનો રોડમેપ ઘડવામાં આવ્યો છે. ન્યૂ ઈન્ડિયાનું નિર્માણ કરવા પીએમ મોદીએ 'સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ'નાં સૂત્રને લોકોનાં જનજીવન સાથે વણી લીધું છે. લોકોને સારામાં સારું શિક્ષણ મળે તે માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો અમલ કરાયો છે. જેમાં ઉચ્ચ અભ્યાસ સાથે યુવાનોને રોજગારી મળી રહે તેવા પગલાં લેવાયા છે. સ્વરોજગારી પર ભાર મૂકીને યુવાનો પોતાનો ધંધો રોજગાર શરૂ કરી શકે તે માટે સ્ટાર્ટઅપ્સ તેમજ યુનિકોર્ન સ્થાપવા પ્રોત્સાહનો અપાયા છે. મુદ્રા લોનનો નવો કન્સેપ્ટ અપનાવીને યુવાનોને બેન્ક લોન અપાઈ છે.

Videos similaires