ચીને પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના વડા અને મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તલ્હા સઈદને આતંકવાદીઓની યાદીમાં મૂકવાના પ્રસ્તાવને અટકાવી દીધો છે. આના એક દિવસ પહેલા ચીને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી શાહિદ મહેમૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને અટકાવી દીધો હતો.
બુધવારે ભારત અને અમેરિકાએ હાફિઝ સઈદના પુત્રને સંયુક્ત રાષ્ટ્રમાં વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને રોકવા માટે ચીને પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કર્યો હતો. છેલ્લા બે દિવસમાં આ બીજી વખત છે જ્યારે બેઇજિંગે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કરવાના ભારત અને અમેરિકાના પ્રસ્તાવને અવરોધિત કર્યો છે. મંગળવારે ચીને પાકિસ્તાની આતંકવાદી શાહિદ મહેમૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને પણ અટકાવી દીધો હતો.