કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આતંકીઓએ ફરી એકવાર બે મજૂરોને નિશાન બનાવ્યા છે. બંને મજૂરો ઉત્તર પ્રદેશના કન્નૌજના હોવાનું કહેવાય છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) એ હુમલાની જવાબદારી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે આતંકીઓએ હુમલો કર્યો છે તે સંગઠનના હાઇબ્રિડ આતંકી છે. દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં હરમન પાસે ગ્રેનેડ ફેંકીને મજૂરોની હત્યા કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરના એડિશનલ ડાયરેકટોર જનરલ ઓફ પોલીસ (કાશ્મીર ઝોન) વિજયે કહ્યું કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરના એક હાઇબ્રીડ આતંકવાદીએ શોપિયાંના હરમન વિસ્તારમાં હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. તેની ઝપટમાં બે મજૂરો આવી ગયા હતા. હુમલા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બંને મજૂરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.