દુનિયામાં ફફડાટ: 'પર્લ હાર્બર મોમેંટ' સાબિત થશે ક્રિમીયા બ્રીજ પર યુક્રેનનો હુમલો?

2022-10-12 1,315

વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના સંગઠન G-7એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને આકરા શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું છે કે જો રશિયા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે. જી-7 દેશોની ચેતવણી સિવાય પુતિનની સેના યુક્રેન પર સતત બોમ્બ અને મિસાઈલનો વરસાદ કરી રહી છે. પુતિનનો આ આક્રમક બદલો રશિયાનું ગૌરવ કહેવાતા ક્રિમિયા બ્રિજ પરના હુમલા બાદ દેખાઈ રહ્યો છે. સોમવારે તેણે પોતાના દળોને યુક્રેન પર મિસાઈલ હુમલા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ યુક્રેનમાં રશિયન સેનાનો કહેર જોવા મળી રહ્યો છે. 24 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયા બાદ તેને મોસ્કોનો સૌથી મોટો હવાઈ હુમલો કહેવામાં આવી રહ્યો છે.

ક્રિમીયા બ્રિજ પર થયેલા હુમલાથી પુતિન પ્રશાસન ચોંકી ગયું છે. પુતિન આ પુલને રશિયાનું ગૌરવ માનતા હતા. પરંતુ એક ભયાનક બ્લાસ્ટમાં 3 ટ્રિલિયન રૂપિયાના ખર્ચે સમુદ્રની વચ્ચે બનેલો આ પુલ ધરાશાયી થઈ ગયો છે. આ ઘટનાથી રશિયન સૈનિકોના મનોબળને મોટો ફટકો પડ્યો છે. હવે વિશ્વને ડર છે કે પુતિન આ હુમલાનો બદલો લેવા માટે યુક્રેન વિરુદ્ધ તેમના ઘણા વ્યૂહાત્મક પરમાણુ હથિયારોનો ઉપયોગ ના કરે.