કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. થાઈલેન્ડની નર્સરીમાં ગયા અઠવાડિયે થયેલા હત્યાકાંડમાં ધાબળાએ ત્રણ વર્ષની બાળકીનો જીવ બચાવ્યો હતો. હુમલા સમયે બાળકી એ જ ક્લાસ રૂમમાં બ્લેન્કેટ નીચે સૂતી હતી. સદનસીબે હુમલાખોરે આ નિર્દોષને જોઇ ન હતી. આ હુમલામાં એક જ રૂમમાં હાજર 22 બાળકો માર્યા ગયા હતા. હુમલાખોરે પહેલા ગોળીઓ ચલાવી અને બાદમાં ચાકુ વડે હુમલો કર્યો. તે નર્સરીમાં એકમાત્ર બાળક છે જે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી પાન્યા ખમરાપના હત્યાકાંડમાંથી માંડ-માંડ બચી ગઇ હતી. આ હુમલામાં 30 લોકો માર્યા ગયા હતા, જેમાં અનેક નર્સરીમાં કામ કરનાર કર્મચારીઓ પણ સામેલ હતા. હુમલાખોરે બાદમાં તેની પત્ની અને બાળકની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. હુમલા બાદ સમગ્ર થાઈલેન્ડમાં શોક અને ગુસ્સાનું વાતાવરણ બની ગયું હતું.