શિવસેનાનો 'અસલી' માલિક કોણ હશે? તેમનું ધનુષ-તીરવાળું ચૂંટણી ચિન્હ કોની પાસે જશે? એકનાથ શિંદે કે ઉદ્ધવ ઠાકરે? હવે તેનો નિર્ણય ચૂંટણી પંચ કરશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે ઉદ્ધવ ઠાકરેના જૂથને આંચકો આપતાં કહ્યું કે, અસલી શિવસેના અને પક્ષના ચિહ્ન પર ચૂંટણી પંચ નિર્ણય લઈ શકે છે. ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે ચૂંટણી પંચ અસલી શિવસેના અંગે નિર્ણય લઈ શકે નહીં, જે અરજીને કોર્ટે ફગાવી દીધી છે. આ વર્ષે જૂનમાં મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયું હતું. ત્યારબાદ શિંદે જૂથ પણ પાર્ટીના ચૂંટણી ચિન્હ 'ધનુષ-બાણ' પર દાવો કરી રહ્યું છે અને પોતાને 'અસલી' શિવસેના કહી રહ્યા છે. આ મામલો હાલ ચૂંટણી પંચમાં છે. શિંદે જૂથ હજુ પણ પોતાને અસલી શિવસેના ગણાવે છે. તો શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે કહે છે કે, ચૂંટણી પંચમાં સત્યની જીત થશે. જોકે શિવસેના કોની છે, તે અંગેનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવશે. પરંતુ આ નિર્ણય કેવી રીતે લેવામાં આવશે ?