કેન્દ્રીય ગૃહૃસહકાર મંત્રી અમિત શાહ સોમ-મંગળ નવરાત્રિ ઉજવવા અહીં તેમના નિવાસસ્થાને રોકાઇ મંગળવાર રાત્રે દિલ્હી પરત જવાના છે. જો કે આ બે દિવસ ચૂંટણીને કારણે તેમના મતવિસ્તારમાં કાર્યક્રમોની ભરમાર રહેવાની છે.
બે દિવસ તેઓ કુલ એક ડઝન જેટલા કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. સોમવારે સાયન્સ સિટી પાસે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન, સાણંદના વિરોચનગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ઔડા નિર્મિત સમાજવાડીનું લોકાર્પણ અને પૌરાણિક મંદિરમાં દર્શન, સાણંદ જીઆઇડીસીમાં ઇએસઆઇસી હોસ્પિટલનું ખાતમુહૂર્ત, બાવળા એપીએમસી ખાતે નળકાંઠાના ગામોના ખેડૂતોનું સંમેલન તેમજ અમ્યુકોની નવી સાઉથ વેસ્ટ ઝોન કચેરીના ઉદ્ઘાટન સાથે ગરીબ વર્ગના લોકો માટે 2140 આવાસો-શકરી તળાવના નવીનીકરણના કામોનું ખાતમુહૂર્ત જેવા કાર્યક્રમોમાં કેન્દ્રીય મંત્રી હાજરી આપશે.