હવામાન વિભાગે ગુરુવારે દિવસ દરમિયાન સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવી આગાહી વ્યક્ત કરી છે. જ્યારે ગુરુવાર અને શુક્રવારના રોજ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાત્રીના સમયે પણ સુરત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે સવારે 9 વાગ્યે પણ કાળાદિબાંગ વાદળો છવાયેલા રહેતા અંધારું છવાયેલું જોવા મળ્યું હતું. વહેલી સવારથી સુરત જિલ્લામાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. ખાસ કરીને બારડોલી તાલુકામાં સવારે 8થી 10 વાગ્યાના બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. એકીધારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. બારડોલીમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 4 ઈંચ વરસાદ પડી ગયો છે. જ્યારે પલસાણામાં 2.28 ઈંચ વરસાદ અને માંડવીમાં 1.7 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં પણ ઝરઝર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે શહેરીજનોને બફારાથી છૂટકારો મળ્યો છે.