એક જ શેરીમાં શ્રીજીની 216 મૂર્તિની સ્થાપનાનો અદભુત નજારો જોવા મળ્યો છે. ગોલ્ડન જ્યુબિલી વર્ષની સંપૂર્ણ અધ્યાત્મના માર્ગે ભક્તિસભર ઉજવણી કરાઇ છે. સુરતીઓ શ્રીજીમાં અપાર
શ્રદ્ધા ધરાવે છે. એકદંતના આગમનના સાથે સુરત શહેરમાં ગલી ગલીએ ઉત્સવનો માહોલ સર્જાયો છે.
શહેરમાં ગલી ગલીએ ઉત્સવનો માહોલ સર્જાયો
શેરી મહોલ્લાઓમાં રોશની અને શણગાર સાથે બાપ્પાની વાજતે ગાજતે પધરામણી થઇ ચૂકી છે. કોરોનાકાળ બાદ આ વખતે વિઘ્નહર્તાને વેલકમ કરવામાં સુરતીઓએ કોઇ કસર કે કચાશ
બાકી રાખી નથી. કોટ વિસ્તારની શેરીમાં બાપ્પાની સરેરાશ બેથી ત્રણ મૂર્તિની સ્થાપ્ના થઇ છે. ગલી ગલીએ શ્રીજીની ધૂમ વચ્ચે ગણેશોત્સવનું શાનદાર આયોજન કરવા માટે જાણીતા
મહિધરપુરા દાળીયા શેરીમાં આ વખતે બે-ચાર નહી પૂરા 108 માટીની અને 108 ચાંદીની મૂર્તિની સ્થાપ્ના થઇ છે.
108 માટીની અને 108 ચાંદીની મૂર્તિની સ્થાપ્ના થઇ
તેમજ માટીની, ચાંદીની શ્રીજીની મૂર્તિઓ મૂકી શ્રદ્ધાળુઓ એક અલગ જ મહિમા ઊભો કરી ચૂકી છે. આ અંગે શેરીની મહિલા ભક્તોએ જણાવ્યું હતું કે મહિધરપુરા દાળિયા શેરી 2022માં
ગણેશોત્સવનું ગોલ્ડન જ્યુબિલી (50) વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે. ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની તન, મન, ધનથી પૂજા-અર્ચના કરવામાં શેરીનો પ્રત્યેક પરિવાર સહભાગી
થયો છે. મહોલ્લા વાસીઓ દ્વારા પાછલા એક વર્ષથી ગણેશોત્સની તૈયારીઓ થઇ રહી હતી. આ તૈયારીઓને અંતે આ વખતે ઉજવણીનો એક અલગ જ માહોલ ઊભો થયો છે. શેરીના
લગભગ તમામ પરિવારો દ્વારા ચાંદીની મૂર્તિઓની એક જ મંડપમાં સ્થાપના કરવામાં આવી છે. 350 ફૂટ લાંબા મંડપમાં બાપ્પાની દોઢ ફૂટની 108 પ્રતિમા સાથે 150 ગ્રામ ચાંદીની 108
મૂર્તિઓની પણ સ્થાપના થઇ છે.
પ્રતિદિન 1008 લાડુની આહુતિ આપવામાં આવશે
દાળીયા શેરીના સાર્વજનિક ગણેશોત્સવને 50 વર્ષ થયા છે. આ નિમિત્તે બાપ્પાની આરાધના કરવામાં કોઇ કસર બાકી નહીં રહે તે માટે મહિધરપુરા શેરીમાં બે યજ્ઞકુંડ બનાવાયા છે. આ
યજ્ઞમાં અર્થવર્સીસના પાઠ સાથે પ્રતિદિન 1008 લાડુની આહુતિ આપવામાં આવશે. તથા યજ્ઞકુંડ પાસે દોઢ કિલો ચાંદીમાંથી બનાવવામાં આવેલી બાપ્પાની બે મૂર્તિઓની પૂજા-અર્ચના
કરવામાં આવશે. એક સપ્તાહ સુધી આ હોમ-હવન થશે.