રેવડી કલ્ચર.. રેવડી કલ્ચર.. રેવડી કલ્ચર.. છે શું આ રેવડી કલ્ચર ?
સૌથી પહેલા 16 જુલાઈના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ 'રેવડી કલ્ચર' પર વાત કરી હતી, અહીંથી તેના પર ચર્ચા શરૂ થઈ હતી.
આ શબ્દને લઈ PM મોદીનું નિશાન એ યોજનાઓ પર હતું જેના હેઠળ રાજકીય પક્ષો ચૂંટણી પહેલા લોકોને મફત વીજળી, પાણી, લેપટોપ, રોકડ કે અન્ય વસ્તુઓ આપવાનું વચન આપે છે અને જીત પછી આ બધું મફતમાં વહેંચે છે...
કોઈનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે કેટલીક પાર્ટીઓ દેશમાં 'રેવડી કલ્ચર'ને પ્રોત્સાહન આપવાની કોશિષ કરી રહી છે. અને બધાએ સાથે મળીને રેવડી કલ્ચરની વિચારસરણીને હરાવવાની છે, આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ખૂબ જ ખતરનાક છે.
હવે રેવડી કલ્ચરનો મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં 22 જાન્યુઆરી 2022ના રોજ એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી હતી. જેમાં રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવતી મફત જાહેરાતો અને વચનો પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. સાથો સાથ 'અતાર્કિક મફત વચનો' આપનાર રાજકીય પક્ષોની નોંધણી રદ કરવાની અથવા તેમના ચૂંટણી પ્રતિકોને ફ્રીઝ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
Chief Justice of India NV રમનાની અધ્યક્ષતાવાળી બેંચ આ કેસની સુનવણી કરી રહી છે. 17 ઓગસ્ટના રોજ સુનવણી દરમિયાન બેન્ચે અવલોકન કર્યું હતું કે રાજકીય પક્ષોને ચૂંટણી વચનો આપવાથી રોકી શકાય નહીં, પરંતુ 'ફ્રીબીઝ' અને 'વાસ્તવિક કલ્યાણકારી યોજનાઓ' વચ્ચેનો તફાવત સમજવો પડશે. બેન્ચે એ પણ પૂછ્યું હતું કે શું યુનિવર્સલ હેલ્થકેર અને પીવાના પાણીની ઉપલબ્ધતાને ફ્રીબીઝ માની શકાય છે? કેસ પર ચર્ચા ચાલી રહી છે. 23 ઑગસ્ટના રોજ પણ આ મુદ્દા પર ફરી સુનવણી થઇ ત્યારે બેન્ચે કહ્યું કે આ ગંભીર મુદ્દો છે અને આના પર ચર્ચા થવી જરૂરી છે. આ કેસ પર આગળની સુનવણી બુધવાર એટલે કે આજે 24 ઑગસ્ટના રોજ થશે.