વડોદરા સંસ્કારી નગરીની સાથે મગર નગરી તરીકે પણ જાણીતી બનતી જતી હોય તેવા દ્રશ્યો શહેરમાં જોવા મળી રહ્યા છે. વડોદરાના નદી કિનારાના વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગર જોવા મળતા હોય છે, તેવામાં ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારોમાં મગર આવી ચડતા હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે, ત્યારે તા.27 જુલાઈના રોજ દિવસ દરમિયાન વડોદરાના અલગ-અલગ રહેણાંક વિસ્તારોમાં મગર આવી ચડ્યા હતા. જેમાં માણેજા, તરસાલ, મુઝમહુડા રોડ પરથી અલગ અલગ વિસ્તારોમાં ત્રણ મગર આવી ચડતા ત્યાંના રહેવાસીઓના જીવ તાંડવે ચોટ્યા હતા. આ આવી ચડેલા મગરોની જાણ સેવ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટને કરવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્યોએ ગણતરીના સમયમાં ઘટના સ્થળે પહોંચી જઈને ત્રણેય મગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપ્યા હતા. ઉલ્લેખનિય છે કે, વડોદરામાં શહેરના કેટલાક વિસ્તારોમાં વારંવાર આવી ચઢતા મગરોને કારણે લોકોમાં ભય ફેલાયો છે.