જામનગર જિલ્લાના કાલાવડ નજીક આવેલા હરીપર મેવાસા ગામમાં દોઢ વર્ષથી ચાલતી નકલી દુધની ફેક્ટરી પર એસઓજીએ દરોડો પાડીને બે શખ્સોને ઝડપી લઈને આકરી ઢબે પુછપરછ કરવામાં આવી છે. સ્થળ પરથી નકલી દુધ બનાવવાની સામગ્રી કબ્જે કરી છે. કાલાવાડ તાલુકાના હરીપર મેવાસા ગામમાં નકલી દુધ બનાવવાની ફેક્ટરી ચાલતી હોવાની બાતમીના આધારે એસઓજી ઈન્ચાર્જ પીઆઈ આર. વી. વીંછીએ સ્ટાફ સાથે આજે સવારે દરોડો પાડતા ભારે ચકચાર મચી જવા પામી છે.
પોલીસે દરોડા દરમ્યાન દુધનો મોટો જથ્થો, પાવડર, વેજીટેબલ ઘી, મશીનરી પેકેટ સહિતના સાધનો મળીને લાખો રૃપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે. સ્થળ પરથી બે શખ્સોને ઝડપી લઈને આકરી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે. આ સફેદ દુધનો કાળો કારોબાર છેલ્લા દોઢેક વર્ષથી ચાલી રહ્યો છે. આ દુધના કૌભાંડમાં અનેક શખ્સોના નામ ખુલ્લે તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. હાલ આ નકલી દુધના કૌભાંડમાં ઝડપાયેલા શખ્સોની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.