વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં નવા પ્રવેશ લેતાં બાળકોને અપાયેલી સ્કૂલ બેગો હલકી કક્ષાની હોવાથી રિ-ટેન્ડરિંગ કરવા નિર્ણય કરાયો છે. સમિતિની શાળામાં પ્રવેશોત્સવ દરમિયાન ધો.1માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પેન્સિલ, રબર, સંચો, અને ફૂટપટ્ટીની કિટ અપાઈ હતી. જેમાં સ્કુલ બેગો હલકી કક્ષાની હોવાનું સામે આવ્યું હતું. દરેક શાળામાં 5 થી 6 વિદ્યાર્થીને ટોકન રૂપે બેગો અપાઈ હતી. 600 બેગો કોન્ટ્રાક્ટર પાસેથી મગાવાઈ હતી. જોકે તેની પ્રિન્ટિંગ ક્વોલિટી ખરાબ હોવાથી હવે રિ-ટેન્ડરિંગ કરાશે. આ ઉપરાંત પેન્સિલ, રબર, સંચો અને ફૂટપટ્ટીની ક્વોલિટી પણ યોગ્ય ન હોવાનું જાણવા મળ્યું છે. તમામ વસ્તુ બજાર કિંમતથી વધુ ભાવ હોવાના આક્ષેપો પૂર્વ વિપક્ષી સભ્યોએ કર્યા છે. જોકે ફરીથી ટેન્ડર પ્રક્રિયા થાય તો બાળકોને અભ્યાસ સામગ્રી ક્યારે મળે તેવા સવાલ ઉભા થયા છે.