ગુજરાતમાં આજે મેઘરાજા અષાઢી બીજનું મુહૂર્ત સાચવતા હોય તેમ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. આણંદ જિલ્લામાં ગુરુવારે રાત્રે ગાજવીજ અને ભારે પવનો સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જિલ્લાના બોરસદ તાલુકામાં 6 કલાકમાં ખાબકેલા 11 ઇંચ વરસાદે ભારે તારાજી સર્જાઇ છે. તાલુકાના 7 ગામો સંપર્ક વિહોણા થયા છે, ત્યારે તમામ સ્થિતિને પહોંચી વળવા માટે SDRFની ટીમ આણંદ માટે રવાના થઈ છે.