ભુજમાં લેઉવા પટેલ સમાજ દ્વારા અત્યાધુનિક સુવિધાથી સજ્જ કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યુ છે. 12 એકર જમીનમાં ફેલાયેલી આ હોસ્પિટલ 125 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. આ હોસ્પિટલની સુવિધાની જો વાત કરીએ તો હોસ્પિટલ અત્યાધુનિક મશીનોથી સજ્જ છે, અને 200 બેડની ક્ષમતા ધરાવે છે. હોસ્પિટલમાં હાર્ટ, કિડની, કેન્સર, ન્યુરો, અને ટ્રોમા સેન્ટરની સારવાર મળશે.. ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી, કાર્ડિયોથોરાસિક સર્જરી પણ આ હોસ્પિટલમાં થઈ શકશે. પહેલા કચ્છના લોકોને સારવાર માટે અમદાવાદ અને રાજકોટ સુધી લાંબુ થવુ પડતુ હતુ. ત્યારે અદ્યતન સુવિધા ધરાવતી હોસ્પિટલ ભુજના આંગણે બનતા હવે કચ્છવાસીઓને ક્યાંય લાંબુ નહીં થવુ પડે. પહેલા જિલ્લામાં એકપણ ટ્રોમા સેન્ટરની સુવિધા ન હોવાથી અકસ્માતના દર્દીઓના રસ્તામાં જ મોત થઈ જતા હતા. ત્યારે આ હોસ્પિટલમાં કચ્છવાસીઓને ટ્રોમા સેન્ટર પણ મળી રહેશે.