નેશનલ ડેસ્કઃકોંગ્રેસ સાથે છેડો ફાડીને જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશના રાજકારણમાં ધરતીકંપ સર્જી દીધો છે સિંધિયાના પક્ષાંતરના કારણે કમલનાથના વડપણ હેઠળની સરકાર તૂટે તેવી શક્યતા ઊભી થઈ છે રસપ્રદ બાબત એ છે કે સિંધિયાની ખરી દુશ્મનાવટ કમલનાથ સામે નહિ પરંતુ દિગ્વિજય સિંહ સામે છે અને આ શત્રુતા પણ આજકાલની નહિ પરંતુ પેઢી દર પેઢીથી 240 વર્ષથી ચાલી આવે છે
રાજવી પરિવારનો દબદબો
મધ્યપ્રદેશની રાજનીતિમાં પરંપરાગત રીતે આઝાદી પહેલાના રાજવી પરિવારોની હાક વાગતી રહી છે ગ્વાલિયરના સિંધિયા પરિવારમાંથી વિજયરાજે સિંધિયા, માધવરાવ સિંધિયા અને વસુંધરારાજે (પરણ્યા પછી રાજસ્થાનમાં), યશોધરારાજે રાજનીતિમાં સક્રિય રહ્યા છે જ્યારે ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂકેલા દિગ્વિજયસિંહ રાઘૌગઢ રિયાસતના રાજવી પરિવાર સાથે સંકળાયેલા છે કોંગ્રેસના ટોચના નેતા તરીકે દિગ્વિજય રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે
ગ્વાલિયર મધ્યપ્રાંતનું મજબૂત મરાઠા સ્ટેટ
પુણેના પેશ્વાઓ નબળા પડતાં મહાદજી શિંદેએ ગ્વાલિયરમાં પોતાની સત્તા સ્વતંત્ર જાહેર કરી અને એ રીતે સિંધિયા રાજવંશનો આરંભ થયો મધ્યપ્રાંતના સૌથી ધનિક અને સક્ષમ રજવાડા તરીકે ગ્વાલિયરની સાખ આઝાદી સુધી અકબંધ રહી હતી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગ્વાલિયરના સિંધિયા અલિપ્ત રહ્યા હતા, જ્યારે બાકીના મધ્યપ્રાંતના રાજવીઓએ વિપ્લવીઓને સશસ્ત્ર સમર્થન આપ્યું હતું અને અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી જેમાં એક સાવ નાનકડી રિયાસત રાઘોગઢ પણ સામેલ હતી
પૃથ્વીરાજ ચૌહાણના વંશજોનો રાઘૌગઢ
દિલ્હી, અજમેરના પ્રતાપી રાજા પૃથ્વીરાજ ચૌહાણના વંશજ લાલસિંહ ચૌહાણે ઈસ 1673માં મધ્યપ્રાંતમાં ગુના નજીક નાનકડી રિયાસત સ્થાપી અને તેને રાઘૌગઢ (ખરેખર તો રાઘવગઢ) નામ આપ્યું કારણ કે ચૌહાણો પોતાને ભગવાન રામચંદ્રના વંશજ અને રઘુકૂળના માને છે લાલસિંહ ચૌહાણે અહીં જાજરમાન કિલ્લો બનાવ્યો, જે આજે પણ તેની મજબૂતી દર્શાવતો અડીખમ ઊભો છે
ગ્વાલિયર – રાઘૌગઢ વચ્ચેની શત્રુતા
ઈસ 1780માં મહાદજી સિંધિયાની આગેવાની હેઠળ ગ્વાલિયરમાં મજબૂત બની ચૂકેલા મરાઠાઓએ મધ્ય પ્રાંતની તમામ નાનકડી પણ પડકારરૂપ બની શકે એવી રિયાસતોને દાબમાં લેવા માંડી ત્યારે રાઘૌગઢના ચૌહાણોએ તેમનો સામનો કર્યો એ યુદ્ધ જીત્યા પછી રાઘૌગઢને ગ્વાલિયરમાં ભેળવી દેવામાં આવ્યું જોકે યુદ્ધ હાર્યા પછી ય રાઘૌગઢના ચૌહાણો વખતોવખત પ્રતિકાર કરતા રહ્યા હતા
1857માં પણ રાઘૌગઢની નક્કર ભૂમિકા હતી
1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે રાઘૌગઢના રાજા અજીતસિંહ ચૌહાણે વિપ્લવીઓને આશરો આપ્યો હતો તેમજ દતિયા, શિવપુરી અને તિકમગઢ ખાતે અંગ્રેજ ફોજનો ભારે બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યો હતો ગ્વાલિયરના સિંધિયા અત્યંત શક્તિશાળી હોવા છતાં અંગ્રેજોની તરફેણમાં રહ્યા હતા આથી રાઘૌગઢ અને ગ્વાલિયર વચ્ચેની શત્રુતા વધુ કડવી બની હતી
આઝાદી પછી રાજકારણમાં ય શત્રુતા આગળ વધી
આઝાદી પછી મધ્યપ્રદેશની રાજનીતિમાં ગ્વાલિયરના માધવરાવ સિંધિયા અને રાઘૌગઢના દિગ્વિજયસિંહનો દબદબો હતો બંને કોંગ્રેસના નેતા હતા 1993માં કોંગ્રેસને બહુમતી મળી ત્યારે ગાંધી નહેરુ પરિવારના વિશ્વાસુ તરીકે મુખ્યમંત્રી તરીકે માધવરાવની તાજપોશી નિશ્ચિત હતી પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યોની બહુમતી પોતાની તરફેણમાં હોવાનું સાબિત કરીને દિગ્વિજય મુખ્યમંત્રી બનવામાં સફળ રહ્યા હતા ગ્વાલિયર સ્ટેટ સામેનો રાઘૌગઢનો એ પહેલો બદલો હતો
પિતા પછી પુત્રને પણ દિગ્વિજય નડ્યા
પંદર વર્ષના અંતરાલ બાદ પહેલી વખત રાજ્યમાં કોંગ્રેસને સરકાર બનાવવાની તક મળી ત્યારે મુખ્યમંત્રીપદના દાવેદાર તરીકે માધવરાવ સિંધિયાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ મોખરે હતું પરંતુ ત્યારે પણ દિગ્વિજયે સદીઓની શત્રુતા યાદ રાખીને એવી ચાલ ખેલી કે સિંધિયાનું નામ બાદ થઈ ગયું દિગ્વિજયે મુખ્યમંત્રીપદની રેસમાંથી પોતાને બાકાત કરી દીધા અને પોતાના સમર્થક ધારાસભ્યોનું કમલનાથને સમર્થન આપી દીધું એટલે જ્યોતિરાદિત્ય એકલા પડી ગયા આમ, ઈસ 1780માં જ્યોતિરાદિત્યના પૂર્વજ મહાદજી સિંધિયા સામે હાર્યા ત્યારથી શરૂ થયેલી ગ્વાલિયર અને રાઘૌગઢની શત્રુતાના કારણે જ્યોતિરાદિત્ય મુખ્યમંત્રી બની ન શક્યા અને છેવટે પક્ષાંતર કરીને તેમણે કમલનાથની સરકાર અસ્થિર કરી આ મૂળ લડાઈ ગ્વાલિયર અને રાઘૌગઢ વચ્ચેની છે, જેમાં ભોગ બનવાનો વારો કમનલનાથનો આવ્યો છે