પાટણમાં 100 વર્ષ જૂના 270 લીમડા કપાતાં બચાવા પર્યાવરણ પ્રેમીઓનું ચિપકો આંદોલન

2019-12-08 320

પાટણ:ડીસા પાટણ હાઇવે પર ફોરલેન બનાવવા માટે તંત્રની મંજૂરીથી કોન્ટ્રાક્ટર દ્વારા અઘાર નજીક શનિવારે લીમડાના વૃક્ષો કાપવાની કામગીરી શરુ કરી ચાર વૃક્ષો કાપ્યા પછી જાણ થતાંજ પર્યાવરણ કાર્યકરોની ટીમે સ્થળ પર પહોંચી જઇ ચિપકો આંદોલન આદરી કરી બીજા વૃક્ષો કાપવા દીધા નહોતા જેમાં કાર્યકરો, કોન્ટ્રાક્ટર, સ્થાનિક લોકો તેમજ કઠિયારાઓ વચ્ચે અઢી કલાક સુધી ગરમાગરમી ચાલી હતી પરંતુ કાર્યકરો ટસના મસ ન થતાં છેવટે માર્ગ મકાન વિભાગે પોલીસને બોલાવતાં પોલીસે 4 પર્યાવરણ પ્રેમીઓને પૂછરપછ માટે લઇ ગયા બાદમાં છોડી મૂક્યા હતા
પાટણ તાલુકાના અઘાર ગામ નજીક અંદાજે 100 વર્ષ જૂના લીમડાના વૃક્ષો અડધા કિલોમીટર સુધી શીતળ છાયા પાથરી રહ્યા છે પરંતુ હાઇવે ચાર માર્ગીય બનાવવા આ 270 વૃક્ષો કાપવા વન વિભાગ દ્વારા મંજૂરી આપતાં પર્યાવરણ પ્રેમીઓએ તેનો વિરોધ દર્શાવી વૃક્ષો ન કાપવા અગાઉ કલેકટરને આવેદન આપ્યું હતું જોકે શનિવારે ચાર વૃક્ષો કાપી નાખ્યા હતા આ મામલે પર્યાવરણ કાર્યકરો નીલેશ રાજગોર, વીરેન શાહ, જ્યોતિકાબેન જોશી સહિત યુવાનો સાથેની ટીમ બપોરે 3 કલાકના અરસામાં સ્થળ પર પહોંચી હતી અને વિરોધ કરી વૃક્ષ કટિંગ અટકાવવા ફરજ પાડી હતી જેમાં ઉગ્ર બોલાચાલી થઇ હતી અને કેટલાક લોકોએ પર્યાવરણ પ્રેમીઓ માટે અપશબ્દો પણ બોલ્યા હતા જોકે નીલેશ રાજગોરે અમને કાપી નાખો પણ વૃક્ષ નહીં કાપવા દઈએ, વૃક્ષો માટે બલિદાન આપી દઈશું કહી વૃક્ષો કાપવા જેસીબીથી કરાયેલા ખાડાઓમાં વૃક્ષને ચીપકી ગયા હતા માર્ગ મકાન વિભાગના કર્મચારીએ પોલીસને જાણ કરતા પાટણ તાલુકા પીઆઈ ડીવી ડોડીયા ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને ચાર પર્યાવરણ પ્રેમીઓની 5:31 કલાકે પકડી તાલુકા પોલીસ સ્ટેશને લઇ જઇ પૂછપરછ કરી છોડી મુકાયા હતા
ફોરલેન માટે વૃક્ષ કટિંગ થાય છે
માર્ગ મકાન વિભાગના અધિક મદદનીશ ઇજનેર હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ચાર માર્ગીય રસ્તો બનાવવા માટે 270 લીમડા કાપવા માટે વનવિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે શનિવારે ચાર લીમડા કાપવામાં આવ્યા છે

Videos similaires