હિંમતનગર:ગાંધીના ગુજરાત તરીકે આપણા રાજ્યની ઓળખ થાય છે અહીં દારૂબંધી છે દારૂબંધી હોવાછતાં દારૂ વેચાવાના અને પકડાવાના બનાવો અવારનવાર સામે આવે છે રાજ્યમાં દારૂ વેચવા સામે વિરોધ કરવા નહીં પરંતુ દારૂ વેચવાનો સમય નક્કી કરવા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના સાચોદર ગામના લોકોએ ધારાસભ્યને લેખિત અરજી કરી છે ગુજરાતમાં કદાચ આ પહેલો કિસ્સો છે જ્યાં ગ્રામજનોએ લેખિતમાં દારૂબંધી માટે નહીં પણ દારૂ વેચવાના સમયમાં ફેરફાર કરવા માટે લેખિતમાં જાણ કરી હોય લોકોએ સ્થાનિક ધારાસભ્યને લેખિતમાં અરજી કરીને જાણ કરી છે કે, ગામમાં દારૂ વેચાય તેમજ પીવાય એમાં અમને કોઈ વાંધો નથી પરંતુ એના સમયમાં ફેરફાર કરાવવો
દારૂના વેચાણથી ગામલોકો પરેશાન
દારૂ ખુલ્લેઆમ વેચાય છે એ સાચોદર ગામના લોકોની પીડા છે ગામના મોટાભાગના લોકો ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા છે ગામ લોકો પશુપાલન સાથે જોડાયેલા હોવાને પગલે સવાર-સાંજ ખેતરમાં અવરજવર રહે છે પરંતુ ખેતર જવાના માર્ગો પર ખુલ્લેઆમ દારૂના અડ્ડા અને બૂટલેગરોનો ત્રાસ છે પોલીસને અવારનવાર જાણ કરવા છતાં બદી દૂર થઈ નથી આખરે ગામના નાથાભાઈ પટેલે ધારાસભ્યને લેખિત જાણ કરી પોલીસ દ્વારા સમયમાં ફેરફાર કરવા માંગ કરી છે
સાંજે પાંચ વાગ્યાની જગ્યાએ સાત વાગ્યા પછી વેચાણની વ્યવસ્થા કરો-અરજીકર્તા
પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં અને સાચોદરમાં દારૂના વેચાણથી કંટાળીને સ્થાનિકોએ વચ્ચેનો માર્ગ અપાવ્યો હતો દારૂબંધી માટે નહીં પરંતુ નાથાભાઈ પટેલની નામજોગ અરજી અન્ય લોકો સાથે ધારાસભ્યને કરી છે જેમાં જણાવ્યું છે કે, પોલીસની હપ્તારૂપી મહેરબાનીથી સાચોદર ગામમાં ગેરકાયદેસર દારૂનું વેચાણ ચાલે છે જે તે સમયના જિલ્લા પોલીસવડાને રૂબરૂ રજૂઆત પણ કરી હતી પરંતુ પરિણામ શૂન્ય આવ્યું હતું દારૂનું વેચાણ ચાલે તેની સામે અમારો કોઈ વાંધો નથી પરંતુ દારૂનું વેચાણ સરેઆમ જાહેર માર્ગ પર થાય છે જેનો સમય સાંજે પાંચ વાગ્યાથી શરૂ થાય છે, જે સમયે અમારે તબેલામાં દૂધ દોહવા જવાનું હોય છે તો આપ સાહેબને વિનંતી છે કે દારૂનું વેચાણ સાંજે 7 વાગ્યા પછી ચાલુ થાય તેવી વ્યવસ્થા જે તે પોલીસ અધિકારીને સૂચના આપવા મહેરબાની કરશો
બહેન દીકરીઓને હેરાનગતિ ન થાય તે ઉદ્દેશ્યથી સમય બદલવા માંગ
સાચોદરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણને પગલે ગામની તેમજ ઘરની બહેન, દીકરીઓ પુત્રવધૂઓ સહિતની મહિલાઓને બૂટલેગરો તેમજ દારૂડિયાઓ દ્વારા માનસિક તેમજ શારીરિક હેરાનગતિનો સામનો કરવો પડે છે આમ ન થાય તે માટે ગામના લોકોએ વચ્ચેનો માર્ગ અપનાવીને અરજી કરી છે જેમાં દારૂ વેચવાના સમયને 7 વાગ્યા બાદ કરવા વિનંતી કરી છે
પોલીસ વડા શું કહે છે
સાચોદરાના લોકોએ કરેલી અરજી બાબતે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, આ મુદ્દે કોઈપણ પ્રકારની પોલીસ વિભાગને જાણ કરાઇ નથી તેમજ મારો પણ સંપર્ક કરાયો નથી જોકે, દારૂબંધી મુદ્દે ગ્રામજનોને કોઈ સમસ્યા હોય તો રાજકારણ કર્યા વિના સંપર્ક કરે આથી આ મુદ્દાનો નિવેડો આવી શકે તેમ છે